Wednesday 11 November 2015

Vartman Jain Shasan na 10 Acchera Varnan

અચ્છેરા એટલે આશ્ચર્ય! 

જૈન શાસન માં જે વસ્તુ ક્યારેય શક્ય ન હોય તો પણ થાય તેને અચ્છેરા કહેવાય છે
આ અવસર્પિણી કાળમાં આવા ૧૦ અચ્છેરા થયેલ છે!

જાણીએ તેને વિગતવાર!!


અચ્છેરા સ્વરૂપ હરીણીગમેષી દેવ દ્વારા પ્રભુનું ગર્ભ સંક્રમણ 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

:~: અચ્છેરા વર્ણન (૧) :~: 

"ઉત્કૃષ્ટ અવગાહને ૧૦૮નુ એક સમયે સિદ્ધિગમન" 

આ અવસર્પિણી કાળમાં ૫૦૦ ધનુષની ઊંચાઈવાળા ભગવાન ઋષભદેવ, 
તેમના ભરત સિવાયના ૯૯ પુત્રો અને ભરતના આઠ પુત્રો મળી કુલ ૧૦૮ આત્મા 
એકી સમયે મોક્ષે ગયા. આમાં આશ્ચર્ય શું?

(એ) ૫૦૦ ધનુષ ની ઉત્કૃષ્ટ અવગાહને મોક્ષે જવાય ખરું પણ એક સમયે ૧૦૮ ન જઈ શકે.
વચ્ચે સમય સમય નું અંતર પડવું જોઈએ અથવા 
અવગાહના (શરીર ની ઉંચાઈ) ૫૦૦ ધનુષની ન હોવી જોઈએ તે અહીં છે. માટે અચ્છેરું. 

(બી) બાહુબલી નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષનું બતાવેલ છે. અને ઋષભદેવ નું આયુષ્ય પણ ૮૪ લાખ પૂર્વનું હતું. હવે અહીં પિતા-પુત્ર બન્ને એકજ દિવસે નિર્વાણ પામ્યા. 
જયારે ભગવાનના જન્મને છ લાખ પૂર્વ વર્ષ વીત્યા ત્યારે બાહુબલી નો જન્મ થયો હતો. તો આયુ ૮૪ લાખ વર્ષનું હોવા છતાં નિર્વાણ કેવી રીતે પિતા-પુત્ર નું સાથે થાય? એટલે બાહુબલી નું આયુષ્ય ઘટ્યું તે આશ્ચર્ય છે. માટે અચ્છેરું.

 :~: અચ્છેરા વર્ણન (2) :~:

(2) હરિવંશ ની ઉત્પતિ - યુગલિકનું નરકાગમન

દશમાં શીતલનાથ ભગવાનના સમયમાં આ અચ્છેરું થયું છે. હરિવર્ષ નામના ક્ષેત્રમાં કે જ્યાં યુગલીકો જ જન્મે છે ને કાળ કરી સ્વર્ગ માં જ જાય. એવા એક જોડા ને પૂર્વ ભવના વૈરી દેવે 
ભરતક્ષેત્રમાં લાવ્યા. તેનું કથાનાક આ પ્રમાણે છે.

એક વણકર ની રૂપવતી સ્ત્રીનું રાજાએ અપહરણ 
કર્યું અને તેને રાણી બનાવી અંતપુરમાં દાખલ કરી દીધી. પહેલાતો એ સ્ત્રીએ આનાકાની ઘણી કરી,પણ છેવટે માની ગઈ. ક્યાં વણકરની દરિદ્રતા અને ક્યાં રાજાને ત્યાં સુખ સાહ્યબી!
મોજ-મઝાને ભોગ વિલાસમાં બંને ડૂબી ગયા. અને પ્રિયપત્નીને ગુમાવવાના રંજમાં વણકર પાગલ થઇ ગયો.
પત્નીના નામની બુમો પાડતો-પાડતો ગામ-નગર-જંગલમાં ભટકવા લાગ્યો. ન ખાવાનું ઠેકાણું,ન કપડાનું ભાન, પાગલને શું ભાન હોય? દિવસોને મહિનાઓ વીતી ગયા. એકદા વર્ષાઋતુમાં રાજા-રાણી ગવાક્ષમાં બેઠા છે ને કુદરતી સૌંદર્ય જોતા પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે. વાદળ છાયું વાતાવરણ છે. ત્યાં જ નીચે બજાર માં રસ્તા ઉપર એક પાગલ માણસ વીરબાળા વીરબાળા કરતો આમથી તેમ ભટકતો હોય છે. પોતાનું નામ સાંભળી રાણી ચમકી. મારું નામ કોણ લે છે? 
અને ત્યાં જ પોતાના પતિને જોયો. દાઢી વધી ગઈ છે. આખા શરીર ઉપર ધૂળ ચોંટી ગઈ છે. કપડા ઠેકઠેકાણે ફાટી ગયા છે. મેલા થઇ ગયા છે. અહો! મારા પતિ ની આ દશા! બિચારો! પછી રાણી રાજાને ઉદ્દેશીને બોલી કે 
'અરે, આપણે કેવી ભયંકર ભૂલ કરી એક આત્મા ના દુઃખમાં આપણે નિમિત 
બન્યા અને રંગરાગમાં એવા ખૂંપી ગયા કે આનું શું થયું એમ જરા પણ દરકારેય ન કરી.' 
રાજાને પણ થયું કે આ લોક અને પરલોકને બગાડનાર અવિચારી કૃત્ય કરવા જેવું ન હતું. અમે તો પાપમાં પડ્યા અને આ બિચારો અમારા કારણે પાગલ બની ગયો. આ રીતે બંને જણા પસ્તાવો કરે છે એટલામાં જ આકાશ માં ભયંકર કડાકો થયો. વાદળાની ગડગડાતીમાં એક તેજ લીસોટો ફેલાયો ને વીજળી નો ભયંકર ઝટકો લાગ્યો. તે જ સમયે ગવાક્ષમાં બેઠેલા રાજા-રાણી પર ભયંકર અવાજ કરતી વીજળી ત્રાટકી અને બેઉ જણા રાખમાં મળી ગયા. 

અંતે શુભ ભાવ આવ્યો હોવાથી હરિવર્ષ નામ યુગલિક ક્ષેત્રમાં બંને યુગલિક તરીકે જન્મ્યા. રાજા-રાણી ના મૃત્યુના સમાચારે નગરમાં હાહાકાર મચી ગયો બધા જ શોકાતુર બન્યા પણ શાળવીને આ સમાચાર સાંભળીને પરિતોષ થયો. ઠીક, બંને પાપીઓને એના પાપનું ફળ મળી ગયું. ને ત્યારથી એનું પાગલપન મટી ગયું. ચિતભ્રમ દુર થઇ ગયો. અકામ નીર્જરાએ તપ કરી
વ્યંતરજાતી માં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાં અવધિજ્ઞાન થી પોતાના પૂર્વ જન્મ ના શત્રુ યુગલીકોને જોઇને વિચારવા લાગ્યા કે મારા શત્રુઓ અહીં યુગલીકનું સુખ ભોગવશે અને પછી ત્યાંથી મરીને દેવલોકે જશે. એટલે દેવના સુખો ભોગવશે. ના, એવું હું ન થવા દઉં એમને દુ:ખી કરીનેજ રહીશ.પછી તે બાળયુગલિકને ભરતક્ષેત્રમાં લાવે છે.
રાજ્ય આપે છે. અને સાત વ્યસનો શીખવે છે. તે યુગલિક મરીને સાતમી નરકે જાય છે. એમના નામથી હરિવંશ ની શરૂઆત થાય છે.

યુગલિકનું ભરતક્ષેત્રમાં આવવું,એમનું આયુષ્ય ઓછું થવું, ઉંચાઈ ઓછી થવી અને મરીને નરકમાં જવું...... આશ્ચર્યકારી ઘટના જ ગણાય ને!!! આથી આ અચ્છેરું.

:~: અચ્છેરા વર્ણન (3) :~:

તીર્થ વિચ્છેદ - અસંયતીની પૂજા

સુવિધિનાથ થી શાન્તીનાથ સુધીના ૮ તીર્થંકરોના વચ્ચેના સાત અંતરકાળમાં લગભગ 
પોણાત્રણ પલ્યોપમ જેટલા સમય માટે ધર્મ-કેવળજ્ઞાન અને મુનીપણાનો અભાવ થયો હતો.
ગૃહસ્થો મુનિઓની જેમ પૂજાવા લાગ્યા. આવું ક્યારેય પણ બને નહીં તીર્થ સ્થાપનાથી માંડી
અંત સુધી અવિચ્છિન પણે ચાલે. પણ આ સમયમાં તેવું ન બન્યું તે અચ્છેરું

:~: અચ્છેરા વર્ણન (4) :~: 

સ્ત્રી તીર્થંકર

કોઈ સ્ત્રી તીર્થંકર બને એવું કદાપી બને નહિ. તીર્થંકર હંમેશા પુરુષ સ્વરૂપે જ હોય.
પણ આ અવસર્પિણી કાળમાં ૧૯માં તીર્થંકર મલ્લીનાથ સ્ત્રી હતા. 
તે અચ્છેરું કહેવાય.

:~:અચ્છેરા વર્ણન (૫):~:

કૃષ્ણનું અપરકંકામાં જવું.

આ અવસર્પિણીમાં ૨૨મા નેમનાથ તીર્થંકરના સમયમાં કૃષ્ણ વાસુદેવ થયા તે વખતે પાંડવોની 
પટરાણી દ્રૌપદીનું અપહરણ ઘાતકીખંડના ભરતક્ષેત્રના પદ્મોતર રાજાએ કર્યું. એ વાત ની કૃષ્ણને 
ખબર પડતા બે લાખ યોજનનો લવણ સમુદ્ર ઓળંગી લડાઈ કરી પદ્મોતરને હરાવી દ્રૌપદીને 
પાછી મેળવી. અને જોર થી શંખ વગાડ્યો એટલે ત્યાંના કપિલ વાસુદેવે ત્યાં વિચરતા તીર્થંકરને 
પૂછ્યું. આ શંખ કોણે વગાડ્યો? ત્યારે જવાબ મળ્યો કે જંબુદ્વીપના ભરતક્ષેત્રના કૃષ્ણ વાસુદેવ અત્રે 
આવ્યા છે. એટલે ત્યાના વાસુદેવે પણ શંખ વગાડ્યો. 

આ રીતે એક વાસુદેવ બીજા વાસુદેવને મળે. શંખ વગાડે તે બધું અચ્છેરું 

:~:અચ્છેરા વર્ણન (૬):~:

ગર્ભસંક્રમણ

પાંચ અચ્છેરા ભગવાન મહાવીરના સમયમાં થયા છે. તેમાં ગર્ભસંક્રમણ અત્યાર સુધી કોઈ તીર્થંકરનું બનેલ નથી. પણ નીચકુળના ઉદયે ભગવાન દેવાનંદાની કુક્ષિમાં આવ્યા અને પછી 
હરીણેગમેષી દેવે ત્રિશલાની કુક્ષિમાં સંક્રમણ પમાડ્યા તે અચ્છેરું 

:~: અચ્છેરા વર્ણન (૭) :~:

સૂર્ય-ચન્દ્રનું મૂળ વિમાને આવવું 

તીર્થંકર પરમાત્મા ની દેશના સાંભળવા માટે દેવો હંમેશા ઉત્તરવૈક્રિય શરીરે અને ઉત્તરવૈક્રિય વિમાન ધ્વારા આવે પણ ભગવાન મહાવીરની દેશના સાંભળવા સૂર્ય-ચન્દ્ર પોતાના મૂળ વિમાને
આવ્યા તે અચ્છેરું.

:~: અચ્છેરા વર્ણન (૮) :~:

અભાવિત પર્ષદા

તીર્થંકરોની દેશના ક્યારે પણ નિષ્ફળ ન જાય કોઈ પણ આત્માને વિરતીના પરિણામ જાગે જ
પણ આ અવસર્પિણીમાં ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયું ત્યારે દેવ-દેવીઓ બહુધા સંખ્યામાં 
હોઈ થોડો સમય ભગવાને દેશના આપી. ત્યારે કોઈ પ્રતિબોધ ન પામતા તે દેશનાને નિષ્ફળ દેશના કહેવામાં આવી.

:~: અચ્છેરા વર્ણન (૯) :~:

કેવળી ઉપદ્રવ

કેવળજ્ઞાન થયા પછી કોઈ તીર્થંકર ને ઉપદ્રવ થાય નહીં અને તેમાય તારક તીર્થંકરના નામ માત્રથી રોગ શાંત થઇ જાય અને પ્રભુજી ના અતિશયના કારણે મારી-મરકી જેવા ઉપદ્રવો
પણ દુર થઇ જાય તે તારક તીર્થંકર મહાવીર ભગવાન ઉપર ગૌશાળાએ ભયંકર તેજોલેશ્યા મૂકી
હતી. જેના કારણે છ મહિના સુધી ભગવાનને લોહીના ઝાડા થઇ ગયા અને શરીર કૃશ બની ગયું 
આ અચ્છેરું. 

:~: અચ્છેરા વર્ણન (૧૦) :~:

ચમરેન્દ્રનો ઉત્પાત 

ચમરેન્દ્ર એટલે પાતાળવાસી ઇન્દ્ર. ભવનપતિનો ઇન્દ્ર કહેવાય. પોતાના ભવ્ય ભવનમાં બેસેલા 
એણે અવધિજ્ઞાનથી પોતાની ઉપર વૈમાનિક દેવલોકમાં રહેલ સૌધર્મેન્દ્રને જોયો અને ગુસ્સાથી 
ફાટ-ફાટ થતો વિચારે છે કે મારે માથે આ કોણ બેઠું? એ ઇન્દ્ર છે તો હું પણ ઇન્દ્ર જ છુ ને? ચાલો
એ સૌધર્મેન્દ્ર ને શિક્ષા કરું! અન્ય દેવ-દેવીઓ સામાનીકો વગેરે એ.. ઘણી ના પાડી કે રીતે ઉત્પાત 
મચાવવો સારો નથી. પણ ચમરેન્દ્ર માન્યો નહિ. છદ્મસ્થકાળે વિચરતા ભગવાન મહાવીર નું શરણું લઇ મોટા પર્વત જેવડું બિહામણું રૂપ લઇ મોટી મોટી ફાળો ભરતો વૈમાનિક દેવલોક તરફ ધસ્યો.

પ્રથમ દેવલોકમાં પ્રવેશ કરતા જ બધા દેવો પણ ભયભીત બની ગયા "આ કોણ? આ કોણ?" એમ
બોલતા આઘા-પાછા થવા લાગ્યા. અને જ્યાં સૌધર્મેન્દ્ર છે ત્યાં આવે છે. સૌધર્મેન્દ્ર આ બિહામણું 
રૂપ જોઈ જરાય ચલિત થયા વગર ભયંકર ત્રાડ પાડી,ચમરેન્દ્ર ઉપર વજ્ર મુક્યું વજ્ર નું તેજ સહન 
ન થતા ચમરેન્દ્ર ભાગ્યો. પાછળ ઝગારા મારતું વજ્ર! તેની પાછળ સૌધર્મેન્દ્ર! ચમરેન્દ્ર ગભરાઈ 
ગયો. માંડ માંડ ભાગીને ભગવાનના ચરણોમાં છુપાઈ ગયો. ને સૌધર્મેન્દ્રએ ચાર તસુ છેટે 
રહેલ વજ્ર ને ખેંચી લીધું.

આ રીતે ચમરેન્દ્ર સૌધર્મ સભા સુધી આવે અને ઉત્પાત મચાવે તે અચ્છેરું જ કહેવાય. 

:~:આ પ્રમાણે વર્તમાન જૈન શાસનના ૧૦ અચ્છેરાનું વર્ણન સંપૂર્ણ:~:


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Above All Matter Recived From "Hriday Parivartan" 
Paryushan Visheshank Ank

Join Us : www.facebook.com/hriday.parivartan

No comments:

Post a Comment