Tuesday 22 July 2014






:~: "મારા ગુરુમહારાજ" ગ્રંથ વિમોચનનો પ્રસંગ સંવેદના ઉત્સવમાં બદલાયો  :~:

:~: સંપૂર્ણ સભા અશ્રુભીની...પુસ્તક વિમોચન અને સંવેદનાની  એક વિરલ ઘટના :~:

તા.૨૦-૭-૨૦૧૪ (રવિવાર)

સુરત અઠવાલાઈન્સ જૈન સંઘ- શ્રી ફૂલચંદ-કલ્યાણચંદ જૈન પૌષધ શાળા ખાતે
પ.પૂ. તત્વપ્રવચન પ્રજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્રિજ્ય રત્નચન્દ્રસુરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ની
નીશ્રામાં શાસન એકતાના પ્રથમ પગલા સ્વરૂપ અદભુત પુસ્તક "મારા ગુરુમહારાજ"નું
વિમોચન અનન્ય માહોલમાં યોજાયું હતું.

       અઠવાલાઈન્સ જૈન સંઘ એટલે ભારતભરમાં પ્રથમ ક્રમાંકે આવતો જાજરમાન સંઘ
શ્રી સંઘ ઉદારતા,વ્યવસ્થા,ભક્તિ,વૈયાવચ્ચ, અને મેનેજમેન્ટ જેવા તમામ ક્ષેત્રે આગળ છે.
આવા જાજરમાન સંઘમાં પૂજ્યશ્રીનો પ્રવેશ થયો ત્યારથી ભવ્ય વાતાવરણ સર્જાયું છે.

        પૂજ્યશ્રીની પ્રેરણાથી અને હ્રદયસ્પર્શી વાણીના પ્રતાપે શ્રી સંઘમાં સિદ્ધિતપ જેવી
કમસાધ્ય મહાન તપશ્ચર્યામાં ૧૭૦ જેટલા આરાધકો જોડાયા રોજ સવારે ૭.૦૦ થી ૭.૪૫ના
મોર્નિંગ પ્રવચનમાં પણ વિશાળ સંખ્યામાં હાજર રહેતા શ્રોતાઓને પૂ. ગણિવર્ય શ્રી ઉદયરત્ન
મહારાજ પૂ. આનંદઘનજી મહારાજની સ્તવનાના ભક્તિ પગરણ પીરસી રહ્યા છે.
સવારે ૯.૧૫ થી ૧૦.૩૦ના રોજીંદા પ્રવચનોમાં પ્રતિદિન ૧૦૦૦ થી વધુ શ્રોતાઓ વિશાળ
પ્રવચન ખંડને સંકડો બનાવી દે છે.

  પૂ.ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી દ્વારા સંપાદિત "મારા ગુરુમહારાજ" નામના પુસ્તકના
વિમોચનમાં સંઘ દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકનો સંપૂર્ણ લાભ તો
શ્રી સંઘે જ લીધો હતો.. પણ એના વિમોચનની ભવ્યતા પણ અવર્ણીય હતી.

પ્રસ્તુત પુસ્તકમાં તપાગચ્છના લગભગ તમામ સમુદાયના ૨૧ જેટલા પૂજ્યોના જીવનની
ઉત્તમોત્તમ વાતો એમના જ શિષ્યોના હસ્તે લખાયેલી હોય ત્યારે એ કેવી હ્રદયસ્પર્શી બને?

૧૧ ગચ્છાધિપતી સહીત ૧૬ આચાર્ય ભગવંતો અને ૫ પંન્યાસજી ભગવંત-મુની ભગવંતોના
જીવનને એમના જ શિષ્યો એ આલેખ્યું છે ૨૨૫થી વધુ પૃષ્ઠોનો દળદાર ગ્રંથના વિમોચન
નિમિતે "ઉપબૃહણાં નો અવસર" નામના વિશિષ્ટ પ્રવચનનું આયોજન હતું.

વિશાળ સભાને સંબોધતા પૂ.આચાર્યશ્રી એ જણાવ્યું હતું કે..

"મારા ગુરુમહારાજ" પુસ્તક પૂજ્યપાદ તપાગચ્છાધીપતી પરમ ગુરુદેવ
આચાર્ય શ્રીમદ વિજય રામસુરીશ્વરજી મહારાજાના શાસન એકતાના સ્વપ્ન
તથા સકળ સમુદાયના પૂજ્યો વચ્ચેનો સ્નેહ/સોહાર્દસભર વ્યવહાર સ્થાપવાની અનેક
ભાવનાને સાકાર કરવાના પ્રથમ પગલા સ્વરૂપ છે તેમના સંસ્કારોના કારણે જ
શ્રી સંઘ અને વિવિધ પૂજ્યો વચ્ચેના સબંધોને સુદ્રઢ બનાવવાનું નિમિત છે.
હું તો દીવાલ નહીં પુલ બનાવવાની આંતરિક ભાવના ધરાવું છું..
વધુમાં તેમણે જણાવ્યું હતું કે..

"મહાપુરૂષોને માપવાનું નહીં પણ પામવાનું કામ કરજો,
મહાપુરૂષોને માપવા જનારો સ્વયં મપાઈ જાય છે."  

પુસ્તકમાં લખાયેલા લેખોનો પરિચય આપતા
પૂ. ગણિવર્યશ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે
"શ્રી સંઘના કોઈ પણ અંગની નિંદા કરવાથી પ્રભુના સંઘની-શાસનની
નિંદા કરવાનું અવહેલના કરવાનું પાપ બંધાય છે."
પૂ. ગુરુદેવ શ્રી રત્નચન્દ્ર સુરીજી મ.સા.ના શબ્દો ટાંકતા તેમણે જણાવ્યું હતું કે
"એક સાધુની નિંદા કરવાથી ૧૫ ક્ષેત્રમાં રહેલા તમામે તમામ સાધુની નિંદા કરવાનું પાપ બંધાય"

આપણા સંઘની શાસનની એક મોટી નબળી કડી હોય તો આ છે કે
આપણે આપણી નિંદાવૃતિમાં સંયમીઓને પણ છોડ્યા નથી,
આજના પુસ્તક પ્રાગટ્યના અવસરે અનુમોદના નામનું પુણ્ય ઉપાર્જન કરવાના મનોરથ છે.. આપણો સકળ સંઘ નક્કી કરે.......
કોઈ પણ સમુદાયના સંયમી પૂજ્યોની નિંદા કરીને આપણે આપણું જીવતર અભડાવવું નથી..
આજીવન,વરસ,મહિનો,પખવાડિયું,અઠવાડિયું કે છેલ્લો આજના એક દિવસ માટે પણ નક્કી કરીયે
"મહાત્માઓની નિંદા નહીં જ...!"

આટલા શબ્દો હતા અને...અને... જોતજોતામાં તો કમાલનું વાતાવરણ સર્જાયું,
પૂજ્ય ગણિવરના આંસુ ભીના શબ્દોએ દ્રષ્ટાંતોના પરિણામે સકળ શ્રી સંઘે
અશ્રુભીની આંખોની સાથે ઉભો થઇ ગયો... ૧ હજારથી વધુ શ્રોતાઓ જયારે
પ્રવચનમાં ઉભા થઇને બે હાથ જોડીને ઉભા રહ્યા ત્યારે સંગીતકારે
આંસુ અને હ્રદયના સામ્રાજ્યને શોભાવતું "ગાજે રે ગાજે મહાવીરનું શાસન"
ગીત લઇને ભરેલી આંખને ભરેલા હૈયે સહુને ભીંજવી દીધા હતા..

પૂજ્યશ્રીએ સાથે સાથે પ્રેરણા કરતા કહ્યું :
"સુરતમાં આ વર્ષે બિરાજમાન પૂજ્યોને એક વખત તો વંદન કરવા જવું જ
એવો નિર્ણય પણ આ સાથે જ ગ્રહણ કરાય તો કેટલું સારું? અને
પૂજ્યશ્રીના શબ્દોના પડઘા શમે તે પૂર્વે તો એ માટે પણ
શ્રી સંઘે તૈયારી બતાવીને પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીએ "ધારણા" નું પચ્ચકખાણ
ફરમાવીને સકળ શ્રી સંઘના આ નિર્ણયને વખાણ્યું હતું.

-આવા હ્રદયસ્પર્શી પ્રસંગને સુરતના તમામ ભાવુકો જેણે-જેણે આ વાત જાણી
તેણે-તેણે ભરપુર અનુમોદના કરી હતી અને આવી વિરલ ઘટનાને ઐતિહાસિક
કહીને બિરદાવી હતી..

આટ-આટલું વાંચ્યા પછી આપણે ખુદ નિર્ણય કરીએ કે "મહાત્માઓની નિંદાતો ક્યારેય નહીં!"

ધન્યવાદ :~: અનુમોદના
 
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

        

No comments:

Post a Comment