Thursday 1 May 2014

:~: આદિનાથ પ્રભુને ઇક્ષુરસથી પારણું :~:





ઋષભ કથાના પંચમ ભાગ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે પ્રભુનો પારણા ઉત્સવ..
નિહાળો અને માણો..

સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા

લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
૪૦૦-૪૦૦ દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.

વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,

શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.

જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને
ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.

અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો,

ઋષભ કથાની પંચમ ભાગની સ્પીચ સાંભળવા અહીં ક્લિક કરો
:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:_:

શ્રી ઋષભદેવ પરમાત્મા ને શ્રેયાંસકુમાર દ્વારા ઇક્ષુરસ નું પારણું

પારણીયા ને કાજ પધારો..... ઓ દેવાધી દેવા.....
વિનવે....ઝૂરે ઝંખે લોકો.... પ્રભુ! સ્વીકારો સેવા....
પારણીયા ને.....
દિવસે ઝંખે રાતે ઝૂરે તન-મન-ધન ને દેતા....
ઋષભપ્રભુ લેતા નથી કાંઈ એક બીજા ન કે`તા...
નથી સમજાતા રાજા અમારા ભાગ્ય રૂઠયા છે એવા
પારણીયા ને.....
પ્રભુ તમોને શું દઈએ એમ રૂંવે રૂંવે થી ગાતા....
આંગણ સુંધી આવી સ્વામી ! કોરા કોરા જાતા...
બાર માસ ના તપસી તમે પણ હાલ અમારા કેવા
પારણીયા ને.....
વૈશાખી ત્રીજે પ્રભુ શ્રેયાંસકુમારે દીઠાં....
ઇક્ષુ રસના ઘડા ભરેલા વ્હાલમ જેવા મીઠાં...
ઋષભ પ્રભુએ હાથ લંબાવ્યા શેરડી રસને લેવા
પારણીયા ને.....
વસુધારા વરસાવે દેવો વાદળ જાણે વરસ્યા...
રોગ-શોક તો દુર થયા જિમ સ્વયં પ્રભુજી સ્પર્શ્યા....
"ઉદય" થયો આ પૃથ્વીલોકમાં જયજયકારા એવા
પારણીયા ને.....

ઋષભકથાના પંચમ ભાગનું ગીત સાંભળવા અહીં ક્લિક કરો:.

:~: જય જિનેન્દ્ર :~:

No comments:

Post a Comment