Sunday 21 August 2016

Shree Devsuriji Maharaj 3rd Influencer In Jain History



જૈન શાસનના તૃતીય વાદિ પ્રભાવક શ્રી દેવસુરિજી મહારાજ 


પુસ્તક : તે કાળે તે સમયે...(આઠ પ્રભાવકોની આત્મ કથા)
લેખક : મુનિ રાજદર્શન વિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ


જૈન શાસનમાં થઈ ગયેલ પ્રભાવક પુરુષોની વાતો કરી છે,  પ્રભાવક પુરુષો પણ આઠ છે.
સમકિતની ૬૭ બોલની સજઝાયમાં કહ્યું છે : ‘‘આઠ પ્રભાવક પ્રવચનનાં કહ્યા’’ 
એવાં આ આઠ પ્રભાવક પુરુષોના જીવનને દર્શાવતી અહિં આઠ કથા આત્મકથાના 
સ્વરૂપે લખી છે. ઘણાં બધા પ્રભાવક પુરુષોના જીવન-કવનને આપણે જાણીએ છીએ 
પણ કયા પ્રભાવક પુરુષો આઠ પ્રભાવકમાં આવે છે તેનો આપણને ખ્યાલ નથી.  
અથવા અલ્પ ખ્યાલ છે. તેથી અહીં આપણે જોઈશું જૈન શાસનના આઠ પ્રભાવક પૈકી

તૃતીય વાદિ પ્રભાવક  શ્રી  દેવસૂરિજી મહારાજ ચરિત્ર  



સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં વાદ કરતા શ્રી દેવસૂરિજી મહારાજ 


     વાદી પ્રભાવક તરીકે શ્રી મલ્લવાદીજી શાસ્ત્રમાં ગૂંથાયા છે. 
પણ કેટલીક જગ્યાએ વાદી પ્રભાવક તરીકે મારી પણ ગણના 
કરાઈ છે. મારો ઈતિહાસ નીચે મુજબ જણાવી શકાય.


હું પાટણના ઉપાશ્રયમાં અધ્યયન-અધ્યાપનમાં રત હતો,
તેટલામાં જ કેટલાક રાજસેવકો મને બોલાવવાં આવ્યા કે,
શ્રી દેવસૂરિજી મહારાજ ! આપને મહારાજા સિદ્ધરાજ
જયસિંહ રાજસભામાં બોલાવે છે, હું જવા માટે તૈયાર થયો,
મને ખબર જ હતી કે, મને શા માટે બોલાવે છે. કેમકે એ
સમયે દિગંબર આચાર્ય કુમુદચંદ્ર ગર્વથી બધે જ ગર્જના કર્યા
કરતાં હતાં કે, મારી સાથે વાદ કરો, વાદ કરો.

એક દિવસ વાત આમ બની હતી. કુમુદચંદ્ર રાજસભામાં
ગયા હતા. રાજાએ તેને રહેવા માટે વસતિ પણ આપી હતી
આપે જ ને ? કારણ કે રાજાના માતામહનાં એ ગુરુ હતાં.
રાજાએ કુમુદચંદ્ર સાથે વાદ કરવા માટે શ્રી હેમચંદ્રસૂરિજીને
પૂછાવ્યું, ત્યારે તેઓએ કહેવરાવ્યુ કે વાદી રૂપ હાથીઓમાં
સિંહ સમાન શ્રી દેવસૂરિજીને બોલાવો.

હું રાજસભામાં ગયો, રાજાની વિનંતીને માન આપીને
વાદનો સમય નક્‌કી થયો. વાદ પૂર્વે મેં સરસ્વતીની આરાધના
કરી. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યુ કે, દેવસૂરિજી ! દિગંબરોના
મતનું ખંડન કરવા માટે, વાદી વૈતાલ શ્રી શાંતિસૂરિજી
વિરચિત ઉત્તરાધ્યયનની વૃત્તિમાં ચોરાશી વિકલ્પોની જે
વિચારણા છે, તે તમે અવધારી લો, તો દિગંબરોના મોઢા
બંધ થઈ જશે. - આટલું કહી દેવી અદૃશ્ય થઈ ગઈ.

આ પછી મને એક વિચાર સૂ્‌યો કે, દિગંબરાચાર્ય કયા
શાસ્ત્રમાં નિપુણ છે, તે જાણવું જોઈએ. તે જાણવા માટે મેં
મારા મુખ્ય શિષ્યને ગુપ્તપણે દેવના નામે રાત્રિના સમયે ત્યાં
મોકલ્યો.
      
 કુમુદચંદ્રે મારા શિષ્ય ને પૂછ્યું :

कस्तवं?  તું કોણ?  
अहं देव: ! હું દેવ !
देव: को?  દેવ કોણ ?
अहं !  હું!
વળી પાછુ કુમુદચંદ્રે પૂછ્યું :
अहं क:? હું કોણ ?
त्वं श्वा ! તું કૂતરો !
श्वा क:  કૂતરો કોણ ?
त्वं !  તું !
त्वं क:? તું કોણ ?
अहं देव : હું દેવ ! 

આ રીતે ચક્રભ્રમણ ન્યાયપૂર્વકના પ્રશ્નોની ઝડી વરસાવી
મારા શિષ્યે તેને એક રાતમાં તો ‘‘કૂતરો’’ બનાવી દીધો.
એ રાતની વાતની દિગંબરાચાર્યે ખબર પડી ગઈ કે, કોઈક
શ્વેતાંબર સાધુ આવી મને કૂતરો બનાવી ગયો છે. તેથી તે 
રોષે ભરાયા, એટલે એમણે મારા પર શાર્દૂલછંદમાં બનાવેલ 
એક શ્લોક મોકલ્યો.

हंहो श्वेतपरा: किमेष विकटाटोपोक्तिसंटंकितै :
संसारावटकोटरेडतिविकटे मुग्धो जन: पात्यते|
तत्वातत्वविचारणासु यदि वा हेवाकलेशस्तदा
सत्यं कौमुदचन्द्रमंध्रियुगलं रात्रिन्दिवं ध्यायत ||

‘અરે હે શ્વેતાંબરો ! ખોટા આડંબરવાળા વાક્યોનો પ્રપંચ
કરીને તમે આ ભોળા લોકોને વિકટ એવા સંસારરૂપી અંધ
કૂવામાં કેમ નાંખો છો? જો કદાચ તમારી તત્ત્વ અને અતત્વની 
વિચારણામાં લેશમાત્ર પણ ઈચ્છા થતી   હોય, તો તમે રાત 
દિવસ કુમુદચંદ્રના બે ચરણ કમળનું ધ્યાન ધરો.
  
      આ શ્લોક મારા ઉપર આવ્યો, તે જોઇને મારા એક શિષ્ય 
માણિક્ય મુનીએ ઝટપટ એકબીજા શ્લોકની રચના કરી સામે 
પડકાર ફેંક્યો એ પણ શાર્દૂલછંદમાં બનાવ્યો હતો.

क: कंठीरवकंठकेसरसटाभारंस्प्रूशत्यंध्रिणा  
क: कुन्तेन शितेन नेत्रकुहरेकणडूयनं कांक्षति|
क: सन्नहति पन्नगेशवरशिरो रत्नावतंसश्रिये
य: श्वेताम्बरशासनस्य कुरुते वन्धस्ये निन्दामिमाम||

એવો કયો પુરુષ છે કે જે સિંહના કંઠમાં રહેલી
કેશવાળીના સમૂહને પગથી અડકે? એવો કયો પુરુષ છે કે
જે તીક્ષ્ણ ભાલા વડે આંખની કીકીની ખણજ મટાડવા તૈયાર
થાય? એવો કયો પુરુષ છે કે જે નાગના માથા ઉપર
રહેલો મણિ લઈને અલંકાર બનાવે? એવો મૂર્ખ પુરુષ તે
જ છે, જે શ્વેતાંબરોના શાસનની હિલના-નિંદા કરે.
      
        આ શ્લોક વાંચતાની સાથે જ કુમુદાચાર્ય સળગી ઉઠ્યા,
 હજુ તો એ વાંચે છે, તેટલામાં જ મારા એકબીજા શિષ્યે 
શ્લોક બનાવીને કુમુદચંદ્રને મોકલી આપ્યો. તેનો ભાવાર્થ આ
પ્રમાણે હતો. નગ્ન એવા દિગંબરોએ સ્ત્રીઓનું મોક્ષ રૂપી રત્ન
બંધ કર્યું તેથી જ તેમણે પોતાનું તત્ત્વ પ્રગટ કર્યું, તો હવે
શા માટે કઠિન એવા તર્કશાસ્ત્રોની ક્રીડામાં ફોગટ ઈચ્છા કરે
છે? આવી તારી ઈચ્છા જ અનર્થું મુખ્ય કારણ છે.

   આ બન્ને શ્લોકથી કુમુદચંદ્રના મગજનો પારો આસમાનને
આંબવા લાગ્યો, દિગંબરાચાર્ય ક્રોધથી સળગી ઉઠ્યા. આ
શ્વેતાંબરો સમજે છે શું ? આમ કહી પોતાના વાદનો વિષય 
લખી મારા પર મોકલ્યો.

૧) તીર્થંકર કેવળી થયા પછી આહાર કરે નહિ.
૨) કપડા પહેરનારા કયારેય મોક્ષે જાય નહિ.
૩) સ્ત્રીવેદના ઉદયવાળા જીવો મોક્ષે જાય નહિ.

આ ત્રણે મુદ્દા વાંચી મેં તેની સામે જવાબ આપ્યોઃ
જો દિગંબરમતના ત્રણ મુદ્દા છે, તો શ્વેતાંબરના પણ ત્રણ
મુદ્દા છે.

૧) તીર્થંકર કેવળી થયા બાદ આહાર કરે છે.
૨) કપડા પહેરનારા મોક્ષે જાય છે.
૩) સ્ત્રીવેદી જીવો પણ મોક્ષે જાય છે. આ ત્રણે મુદ્દા દિગંબરો
સિદ્ધ કરે છે કે શ્વેતાંબરો ! તે તો રાજસભા સાબિત કરી બતાવશે.

કેટલાક દિવસ બાદ વાદનો પ્રારંભ થયો. સિદ્ધરાજે મને
રાજસભામાં બોલાવ્યો, એટલે હું અને હેમચંદ્રસૂરિ ગયા,
અમે બેય એક જ આસને બેઠા. એટલામાં જ વાજતે-ગાજતે
કુમુદચંદ્ર રાજસભામાં આવ્યા, એઓ સામે ઊંચા સિંહાસન
ઉપર બેઠા, હેમચંદ્રાચાર્યની ઉંમર નાની હતી, જયારે 
કુમુદચંદ્રાચાર્ય વયોવૃદ્ધ હતા. હેમચંદ્રાચાર્ય ત્યારે બાલમુનિ
તરીકે સંબોધાતા.

     બાલમુનિની મશ્કરી કરવા કુમુદચંદ્રે સંસ્કૃત ભાષાત્મક 
પ્રશ્ન પૂછ્યો. किं दधि पीतं? 

આ સાંભળી હેમચંદ્રાચાર્યે સરસ જવાબ આપ્યો :
હે બુદ્ધિ નિધાન! આવું બુદ્ધિ વિનાનું અસમંજસ કેમ 
બોલો છો ? કેમકે दधि न पीतं, दधि तु श्वेतं, કુમુદાચાર્ય
દહીં પીળું ન હોય. દહીં તો સફેદ હોય. 

આ સાંભળી આખી સભા ખડખડાટ હસવા લાગી. એક
પળમાં દિગંબરાચાર્ય મૂરખ બની ગયા. કારણકે હેમચંદ્રાચાર્યે
पीतं શબ્દનો અર્થ ‘‘પીળો ’’કર્યો, જયારે દિગંબરાચાર્યને 
તેનો અર્થ ‘‘પીવું’’ એવો અભિપ્રેત હતો. દિગંબરાચાર્ય
શ્વેતાંબરોને મૂરખ બનાવવા આવ્યા હતાં, ને પોતે જ મૂરખ
બની ગયા.
   અત્યાર સુધી હું શાંત હતો, કેમ કે હજી સુધી મારી જોડે
તો વાદ થયો જ ન હતો. હવે અમે મૂળ વાત ઉપર આવ્યા.
એમણે મને પૂછ્‌યું. ‘‘તમારા બેમાં વાદી કોણ છે?’’ મને
મજાક સૂઝી, મેં કહ્યું: ‘‘વાદી તમે છો ને તમારો પ્રતિવાદી
આ હેમચંદ્ર !’’

    આ સાંભળી કુમુદચંદ્ર ક્રોધથી રાતાચોળ થઈ ગયા કે, આ
બાળકની સાથે વૃદ્ધ એવો હું વાદ કેવી રીતે કરું? આ સાંભળી
હેમચંદ્ર બોલ્યાઃ ‘હે કુમુદચંદ્ર ! બાળક તો તમે છો અને
વૃદ્ધ તો હું છું, કેમકે હજી સુધી તમે કેડ પર કંદોરો નથી બાંધ્યો
ને લૂગડા પહેરતાં તો શીખ્યાં જ નથી. તો તમે બાળક કે હું?
હેમચંદ્રના આ જવાબથી તો મને ખૂબ હસવું આવ્યું.

હવે વાદની શરૂઆત કરાઈ, તે પહેલા અમારી બંનેની વચ્ચે
એક શરત કરાઈ કે, જો હું હારી જાઉં તો તમામ શ્વેતાંબરોએ
દિગંબરો બની જવું, અને દિગંબરો હારી જાય તો તેમણે
દેશ છોડવો. ખરેખર આ શરત મારા માટે આકરી હતી, કારણ
કે નાગાઓને તો નાવાનું શું? ને નિચોવવાનું શું? શરત મંજૂર
થતાં વાદની શરૂઆત કુમુદચંદ્રે રાજાને આશીર્વાદ આપવા
પૂર્વક કરી.

   હે રાજા! તમારો યશ એટલો જગપ્રસિદ્ધ છે કે, સૂર્ય પણ
તમારી આગળ ઝાંખો લાગે છે. ચંદ્ર તો જીર્ણ શીર્ણ થઈ 
ગયેલા કરોળિયાના જાળા જેવો લાગે છે. અને પર્વત તે તો
મચ્છર જેવો લાગે છે. તમારા યશનું વર્ણ કરવા મને આકાશ
યાદ આવ્યું. પણ એ આકાશ તો તમારી આગળ ભ્રમરવત્‌
લાગે છે. હવે તમારા યશનું વર્ણ કરવા કોઈ વસ્તુ જ દેખાતી
નથી, એટલે મને લાગે છે કે, ઉપમા યોગ્ય કોઈ વસ્તુ જ
નહીં દેખાવાથી મારી વાચા જ બંધ થઈ જાય છે.

આ પ્રમાણે કુમુદચંદ્રે રાજાને આશીર્વાદ આપ્યા, આશીર્વાદ
આપતા જે છેલ્લે બોલ્યા કે, મારી વાણી જ બંધ થઈ જાય
છે, આ શબ્દો મારી સમીપે બેઠેલા પંડિતોએ સાંભળ્યા ને
વિચાર્યું કે આ અવિચારી અયોગ્ય વાક્ય જે બોલે છે કે
‘‘મારી વાણી જ બંધ થઈ જાય છે.’’ તેથી એમ લાગે છે
કે આ દેવસૂરિજી કુમુદચંદ્રની વાચા બંધ કરીને જ રહેશે, અને
આ વાદી કુમુદચંદ્ર પોતાના હાથે જ હારી જશે.

ત્યાર પછી મેં રાજાને આશીર્વાદ આપતા કહ્યું: હે રાજન્‌!
જ્યાં કેવળીને આહાર કરવાનું વિધાન કર્યું છે, તે જિનશાસન
તથા તારું રાજ્ય આ બંને ચિરકાળ સુધી જય પામો, આવા
આશીર્વચનો મેં રાજાને સંભળાવ્યા, હવે હવે દિગંબરાચાર્યે
પોતાનો મત સ્થાપિત કર્યો, પછી મને કહ્યું કે, તમે આનો
પ્રત્યુત્તર આપો. મેં તેા પ્રત્યુત્તરમાં દેવીએ કહ્યાં મુજબ ૮૪
વિકલ્પો આપ્યા. આ સાંભળી કુમુદચંદ્ર ગેં-ગેં ફેં-ફેં થઈ ગયા.
અને કુમુદચંદ્રાચાર્ય સભા સમક્ષ ઊભા થઈને નતમસ્તકે
બોલ્યા. ‘‘આ દેવસૂરિથી મારો પરાજય થયો છે.’’

રાજાએ દિગંબરાચાર્યે પાછલા દ્વારથી રવાના કર્યા અને
મને માનભેર વિદાય આપી, મારો ઘણો-ઘણો સત્કાર કર્યો.
આખા રાજ્યમાં, ચોરે ને ચૌટે શ્વેતાંબરોની જ પ્રશંસા થવા
લાગી.
   આમ જિનશાસનની ખૂબ મોટી પ્રભાવના થવા પામી.
કેટલાક સમય બાદ મેં ‘‘સ્યાદ્વાદ રત્નાકર’’ નામનો ગ્રંથ
બનાવ્યો, ત્યારથી હું (દેવસૂરિ) દિગંબરોનું ખંડન કરનાર
તરીકે સવિશેષ પ્રસિદ્ધ બન્યો.


Vaadi Prabhavak Shree Devsuriji Maharaj 3rd Influencer In Jain History
Source Book : Te kale Te Samye

No comments:

Post a Comment