Wednesday 24 August 2016

Shree Bhadrabahu Swami 4th Influencer In Jain History


જૈન શાસનના ચતુર્થ નૈમીતક પ્રભાવક શ્રી ભદ્રબાહુ સ્વામી


પુસ્તક : તે કાળે તે સમયે...(આઠ પ્રભાવકોની આત્મ કથા)
લેખક : મુનિ રાજદર્શન વિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ


જૈન શાસનમાં થઈ ગયેલ પ્રભાવક પુરુષોની વાતો કરી છે,  પ્રભાવક પુરુષો પણ આઠ છે.
સમકિતની ૬૭ બોલની સજઝાયમાં કહ્યું છે : ‘‘આઠ પ્રભાવક પ્રવચનનાં કહ્યા’’ 
એવાં આ આઠ પ્રભાવક પુરુષોના જીવનને દર્શાવતી અહિં આઠ કથા આત્મકથાના 
સ્વરૂપે લખી છે. ઘણાં બધા પ્રભાવક પુરુષોના જીવન-કવનને આપણે જાણીએ છીએ 
પણ કયા પ્રભાવક પુરુષો આઠ પ્રભાવકમાં આવે છે તેનો આપણને ખ્યાલ નથી.  
અથવા અલ્પ ખ્યાલ છે. તેથી અહીં આપણે જોઈશું જૈન શાસનના આઠ પ્રભાવક પૈકી

૧.નગર માંથી બિલાડીઓને બહાર કાઢતા રાજ સેવકો ૨.મંત્રીશ્વર ને ભદ્રબાહુની ભવિષ્ય વાણી
૩.ઉપદ્રવી વ્યંતર દ્વારા શ્રાવક/શ્રાવિકાઓને ઉપદ્રવ,૪. ઉપદ્રવ નિવારણ હેતુ "ઉવસગ્ગહરં સ્તોત્ર"ની રચના 


ચતુર્થ નૈમીતક પ્રભાવક શ્રી ભદ્રબાહુ સ્વામી ચરિત્ર


ચતુર્થ નૈમિત્તિક પ્રભાવક શ્રી ભદ્રબાહુ સ્વામી

હું અને મારો ભાઈ વરાહમિહિર, આમા મારા ભાઈનો સ્વભાવ પહેલેથી જ
થોડો અળવીતરો. અમે બન્ને પ્રતિષ્ઠાન નગરના રહેવાસી. આમ તો અમે બંને
ભાઈ ભણીને પંડિત તરીકે પંકાયા, પણ હું પંડિત થયા પછી જરા નિરભિમાની રહ્યો,
પરંતુ મારા ભાઈમાં અભિમાન ભળ્યું, હું અષ્ટાંગ નિમિત્તોનો અભ્યાસી હોવાથી પ્રાયઃ
કરીને તમામ નિમિત્તો જાણી શકતો. એ નિમિત્તો દૈવિક હોય કે આકસ્મિક,
ભૂમિ સંબંધી હોય કે આકાશ સંબંધી, શરીર સંબંધી હોય કે લક્ષણ સંબંધી,
આ આઠે આઠ નિમિત્તોનું મેં જ્ઞાન મેળવેલું. મારા ભાઈમાં આ બધું અપૂર્ણ હતું,
 છતાં તે ગર્વપૂર્વક ફરતો.

એકવાર અમારા ગામમાં શ્રી યશોભદ્ર સૂરિજી નામના આચાર્ય મહારાજ પધાર્યા.
હું અને મારો ભાઈ વંદનાર્થે ગયા. મહારાજ સાહેબે ધર્મસભામાં વૈરાગ્યવાસિત દશ વાતો કરી,
અને સંસાર પ્રત્યે ઘૃણા પેદા કરાવી. જે અમને જચી ગઈ.

૧) અસારં જન્મ : આ સંસારમાં જન્મ અસાર છે. માણસનો જન્મ અશુચિમાંથી થાય છે. તેુનું જીવન
પણ અશુચિમાં જ પસાર થાય છે. જન્મ શરીર પ્રાપ્તિનું કારણ છે, શરીર રોગોનું ઘર છે માટે
પરંપરાએ જન્મ જ રોગોનું કારણ છે. તેથી જન્મથી છૂટવાનો યત્ન કરવો જોઈએ.

૨) આશ્રયો જરાદીનામ્‌ : આ સંસારને આશ્રયીને ઘડપણ આદિ રહેલાં છે. જરા-મરણ-રોગ-શોક-
ભય-રતિ-અરતિ, આધિ-વ્યાધિ-ઊપાધિનો ભંડાર જ આ સંસાર છે.

૩) દુઃખ ગણે વ્યાપ્તઃ શારીરિક-માનસિક પીડાઓ, સંયોગ-વિયોગના દુઃખો, નિર્ધનપણું વગેરે
અનેક દુઃખોથી આ સંસાર ભરેલો છે.

૪) ચલા વિભૂતયઃ સંસારમાં ધન, પ્રતિષ્ઠા, માન, મોભો, સુખ, સંપત્તિ વગેરે પ્રાપ્ત થતાં વૈભવો
ચલિત-નાશવંત છે,

૫) અનવસ્થિતા સ્નેહાઃ સંસારમાં થતો સ્નેહ- પ્રેમ અસ્થિર છે. આજનો મિત્ર કાલે શત્રુ બની જાય છે.
આ સંસારમાં સગા બે ભાઈઓ પણ સામ-સામે આવી જતાં હોય છે. માટે સંસારમાં સ્નેહ-સગપણ
સ્થિર અને વિશ્વસનીય નથી.

૬) દારુણં વિષયં વિષં: પાંચે ઈન્દ્રિયોના વિષયોરૂપી વિષ અતિ ભયંકર છે.
વિષ તો જીવનો એક ભવ બગાડે, પણ વિષયો તો ભવોભવ બગાડે.
૭) રૌદ્રઃ પાપકર્મ વિપાકઃ વિષય તથા કષાયો વડે બંધાયેલા તીવ્ર પાપો દુર્ગતિમાં ફેંકી દે છે.
અને ભયંકર રીતે પાપ કર્મું ફળ આપનારા નીવડે છે.

૮) પીડાકરોનુબંધેન : સંસારમાં પાપો જો રસવાળા ચીકણા અને અનુબંધવાળાં બંધાતા હોય,
તો તે તીવ્ર પીડાકારી સાબિત થાય છે.

૯) મિથ્યાવિકલ્પં સુખં: સાંસારિક સુખ મિથ્યા કલ્પના રૂપ છે. તે સુખ નથી, સુખાભાસ છે.
ઝાંઝવાનું જળતે જળ જ નથી, છતાં પણ આ જળ છે, એવું માની તેની પાછળ દોડતાં હરણની
તરસ છિપાવાને બદલે ઉપરથી વધે છે. તેમ સંસારના સુખો પણ અંતે દુઃખની ખાઈમાં ધકેલનાર છે.

૧૦)સદા પ્રવૃત્તો મૃત્યુઃ મરણ દિન-પ્રતિદિન સમીપે જ આવે છે, તેમાંથી બચાવનાર કોઈ નથી,
મૃત્યુ આવવાનું છે તે નક્‌કી છે, પણ ક્‌યારે આવવાનું છે, તે નક્‌કી નથી. તિથિ-તારીખ-વાર
સમય વગેરે જોઈને મરણ નહીં આવે, તે તો ગમે ત્યારે આવીને ઊભું રહેશે, માટે
મરણથી બેફિકર રહેવા જેવું નથી. ધર્મદેશનાની આ વાતો અમારા બન્નેા હૃદયને સ્પર્શી ગઈ.

એથી અમે બન્નેએ દીક્ષા સ્વીકારી. મેં ચૌદ પૂર્વોનો અભ્યાસ કર્યો. ગુરુજીએ મને તથા મારા ગુરુભાઈ
આર્ય સંભૂતિવિજયને પણ સાથે જ આચાર્યપદાર્પણ કર્યું. પણ વરાહમિહિર યોગ્ય ન હોવાથી એે
આચાર્યપદ આપવામાં ન આવ્યું. સમય જતાં તેણે મારી પાસે ઘણી વાર સૂરિપદની માંગણી કરી,
પણ મેં તેને સ્પષ્ટ રીતે ગુરુજીનો આદેશ અને યોગ્યતાનો અભાવ જણાવીને ના પાડી.
મારી આવી વાત સાંભળી તેને મારા પર ખૂબ ગુસ્સો આવ્યો. તે મારી સામે પડ્યો. તેણે સાધુવેષ
છોડી દીધો અને ફરીથી પાછો બ્રાહ્મણ બની ગયો.

લોકોમાં પ્રસિદ્ધિ મેળવવા તે વરાહમિહિરે એક કીમિયો ઘડ્યો,  તેણે આપણા ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ નામના બે આગમ ભણી લીધા અને એમાંથી તેણે પોતાના નામે ‘‘વારાહી સંહિતા’’ નામનું જ્યોતિષ શાસ્ર બનાવ્યું. તે જૈન શાસ્ત્રમાંથી જ બનાવેલું હોવાથી તેની વાતો ઘણીખરી સાચી પડતી. તેથી લોકોમાં તે ગ્રંથ ખૂબ પ્રિય બન્યો, મંત્ર-તંત્રાદિના પ્રયોગો કરી લોકોને તે રંજિત કરવા લાગ્યો અને પાછો કેઈ ગણા વટથી કહેવા લાગ્યો કે, હું તો ૧૨ વરસ સૂર્યલોકમાં રહ્યો, ત્યારે સૂર્યદેવે મને સૂર્યો ઉદય-અસ્ત વક્રાદિ ગતિ, નક્ષત્રો અને ગ્રહોનો સંચાર બતાવ્યો છે, મને સૂર્ય-નારાયણે જ લોકોના ઉપકાર માટે ધરતી ઊપર મોકલ્યો છે.
આવી જાત- જાતની અફવાઓ ફેલાવીને તેણે પોતાની પ્રસિદ્ધિ પ્રસરાવી દીધી.
લોકોને તેણે ખૂબ આકર્ષિત કર્યા. લોકો તેની વાતમાં ખેંચાઈ ગયા.
રાજા પણ આ પ્રવાહમાં સામેલ થઈ ગયો. રાજાએ ખુશ થઈને પુરોહિતપદ ઉપર તેને સ્થાપિત કરી દીધો.

હું તો મારા ચારિત્રજીવનમાં લયલીન હતો. શાસ્ત્રાભ્યાસ કરતો, પ્રવચનો આપતો. ગામોગામ વિચરતો હું એક દહાડો સાધુમંડળ સહિત વિહાર કરી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો. ગામ બહાર અમે રોકાયા, ગામલોકોને મારા આગમનના સમાચાર મળતાં ટોળેટોળાં દર્શાનાર્થે ઉમટી પડ્યા. તેમાં રાજા પણ હતો ને પેલો વરાહમિહિર પણ સાથે જ હતો. મારો ભાઈ તો મારો કટ્‌ટર દુશ્મન બની ચૂકયો હતો. તેને મારા પર, જૈનશાસન પર તીવ્ર દ્વેષ હતો. આ તો ભાઈના નાતે આવવું પડે એટલે આવ્યો હતો. કેટલાક દિવસો બાદ ગ્રામજનો ખૂબ ઉત્સાહપૂર્વક રાજાના દરબારે જતાં હતા. મને સમાચાર મળ્યાં કે, રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, ને તેની જન્મકુંડલી વરાહમિહિરે બનાવી છે. હળાહળ જુઠ્ઠી કુંડળી બનાવી ને તેણે તેમાં લખ્યું કે, આ પુત્ર ૧૦૦ વરસના આયુષ્યવાળો થશે. ૧૮ વિદ્યાનો પારગામી બનશે. બીજા કેટલાય શુભ યોગોનું વર્ણન કર્યુ.
રાજા તો તેની પર ચારે હાથે ખુશખુશ થઈ ગયો. બરાબર આ જ સમયે લાગ જોઇને વરાહમિહિરે કહ્યું કે,

હે રાજન્‌ ! આપને આખું ગામ પુત્ર જન્મની વધાઈ આપવા આવ્યું, પણ પેલા ઈર્ષ્યાળુ
ભદ્રબાહુ નથી આવ્યા, તો તેમને કંઇક દંડ થવો જોઈએ.

આ સાંભળી રાજાએ એક મંત્રીને મારી પાસે મોકલ્યો. મંત્રી મને પૂછવા લાગ્યો કે, આપ શા માટે રાજભવનમાં નથી પધાર્યા? મેં કહ્યું: બે વાર જવાની કંઈ જરૂર ખરી? અત્યારે જઈશ,
તોય પાછું સાતમે દિવસે જવાનુ આવી જ પડવાનું છે, કારણ કે એ રાજપુત્ર તો આજથી સાતમે
દિવસે મૃત્યુ પામવાનો છે, એ નિશ્ચિત છે. બિલાડીના માધ્યમે એનુ મૃત્યુ લખાયું છે.

હું જૈન સાધુ હોવાથી મારે જો કે આવું ભાવિ ન ભાખવું જોઈએ અને આવી બાબતોમાં પડવું પણ ન જોઈએ, પણ જેમ રોગીનો રોગ નાબૂદ કરવા માટે કડવી દવાનો સહારો લેવો પડતો હોય છે તેમ રાજા વગેરેને પણ જિનશાસનના રાગી બનાવવાં માટે નિમિત્તજ્ઞાનથી જાણીને આવું ભાવિ ભાખવું પડતું હોય છે.

મંત્રીને મેં જે આ ઉત્તર આપ્યો, તેાથી મારો ભાઈ વરાહમિહિર ધમધમી ઉઠયો. ક્રોધથી ભભૂકી ઊઠીને એ
બોલવા લાગ્યો કે, હે રાજન્‌! આવા પાખંડી, દંભી, સ્વચ્છંદી સાધુથી સર્યું !
મારું જ વચન સો ટકા સાચું છે. રાજન્‌! જો સાત દિવસ પછી આ બાળક જીવે તો આ પાખંડી
જૈન સાધુને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવો પડશે. આટલું કહી રોષથી ધમધમતો તે પોતાના ઘેર ચાલ્યો ગયો.

રાજાની આજ્ઞાથી ગામના તમામ બિલાડા-બિલાડી વગેરેને ગામબહાર કાઢી મૂકવામાં આવ્યાં અને રાજપુત્રનું
રક્ષણ કરવા તેને ભોંયરામાં ધાવમાતા સહિત છૂપાવી દીધો. બાળકના રક્ષણ માટે રાજાએ શસ્ત્રધારી કોટવાલોને ગોઠવી દીધા. જોતજોતામાં છ દિવસ પસાર થઈ ગયા. સાતમાં દિવસની સવારે ધાવમાતા બાળકને લઈને ભોંયરાના દરવાજા પાસે બેઠી. એટલામાં કોણ જાણે શું બન્યું કે એકાએક બારણાની પાછળ રહેલો મોટો-જાડો ભૂંગળ કે જેની ઉપર બિલાડીનું ચિત્ર દોરેલું હતું. તે સીધો જ બાળક ઉપર પડ્યો અને
એ જ ઘડીએ તેું મૃત્યુ થઈ ગયું. ધાવમાતાએ કાળો કલ્પાંત કરી મૂક્‌યો. રાજાના દુઃખનો કોઈ પાર ન રહ્યો.

ને પેલો વરાહ ? એ તો બિચારો ડરનો માર્યો કયાંય નાસી ગયો, મારું વચન યથાર્થ થયું
ને વરાહ ખોટો ઠર્યો. આ વાત ઠેકઠેકાણે ફેલાઈ ગઈ. વરાહની ઘોર નિંદા થવા લાગી.
હીણપતભર્યું અપમાન થવાથી તે વરાહે અંતે તાપસી દીક્ષા લીધી. અજ્ઞાન તપપૂર્વક મરીને
તે વ્યંતર તરીકે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાંની સાથે જ તેણે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો,
નિંદા અને હીણપતભર્યો પૂર્વભવ જોતાની સાથે જ તેનો ચહેરો આગથી તપાવેલા ગોળા જેવો લાલઘૂમ
થઈ ગયો. ધમપછાડા કરતો તે નીચે પૃથ્વીલોક પર આવ્યો. એણે નગરજનોને ખૂબ રંજાડ્યા
એણે અમને સાધુ-સાધ્વીને રંજાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયો.

છેવટે એણે નગરમાં ઉપદ્રવ ફેલાવ્યો. એથી શ્રાવક-શ્રાવિકા સંઘ હેરાન-પરેશાન થઈ ગયો.
ઉપદ્રવથી બચવા સંઘે ખૂબ ઉપાયો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ. છેવટે સંઘ મારી પાસે આવ્યો,
મને કહેઃ આ ઉપદ્રવથી સંઘને મુકત કરો. સંઘના કલ્યાણ માટે અને ઉપદ્રવને શાંત કરવા માટે મેં       
‘‘ઉવસગ્ગહરં સ્તોત્ર’’ની રચના કરી. સંઘના તમામ સભ્યોએ એ સ્તોત્ર કંઠસ્થ કર્યું. એ સ્તોત્રનો પ્રભાવ એટલો બધો વિસ્તાર પામ્યો કે, બધો જ ઉપદ્રવ ક્ષણવારમાં શાંત થઈ ગયો.
આથી રાજા પણ મારા ઉપર ખૂબ પ્રસન્ન થયો અને જિનધર્મનો અનુરાગી બની ગયો.
આ રીતે નૈમિત્તિક શાસ્ત્રો દ્વારા હું પ્રભાવક થયો. અને ચોથા પ્રભાવક તરીકે મારી ખ્યાતિ વિસ્તરી.

આચારાંગસૂત્ર, સૂયગડાંગ સૂત્ર, આવશ્યકસૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાકલ્પ, વ્યવહાર સૂત્ર,
સૂર્યપ્રજ્ઞપ્તિ, ઉપાંગ, અને ઋષિભાષિત વગેરે ૧૦ સૂત્રો ઉપર મેં પ્રાકૃત ભાષામાં નિર્યુકિત બનાવી.
શ્રુત કેવળી તરીકે હું પ્રસિદ્ધિ પામ્યો, છતાં પણ કેવળી એ કેવળી અને છદ્મસ્થ એ છદ્મસ્થ :
જયારે મારા જીવનનો અંત સમય આવ્યો, ત્યારે મેં અણસણ કર્યું.

Naimitak Prabhavak Shree Bhadrabahu Swami 4th Influencer In Jain History
Source Book : Te kale Te Samye


No comments:

Post a Comment