Saturday 20 August 2016

Aacharya Shree Ramsurishwarji Maharaja (Dahelavala)


પરમ પૂજ્ય તપાગચ્છાધિપતી આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) 




પૂ. તપાગચ્છાધિપતી આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા
(ડહેલાવાળા)


શ્રી વિજ્યરામસૂરિજી ડહેલાવાળા : શાંત પ્રતિભાનો પવિત્ર ચમત્કાર !

પહેલાં ભાષા શીખો, સંસ્કારી બનો પછી ચાતુર્માસની વિનંતી કરવા આવો


અપાર શારીરિક કષ્ટો ભોગવ્યાં. અનેકવાર હોસ્પીટલમાં પણ દાખલ થવું પડયું.
કિંતુ ક્યારેય તેમણે આંતરિક સ્વસ્થતા ગુમાવી નહિ. શરીર અને આત્મા ભિન્ન છે તેની
પ્રતીતિ આચાર્યશ્રીને થઈ ગઈ હતી.

શાંત પ્રતિભાનો ચમત્કાર કોને કહેવાય, તેનું ઉત્તમ ઉદાહરણ એટલે
            પૂજ્ય આચાર્યશ્રી રામસૂરીશ્વરજી ડહેલાવાળા.
તપાગચ્છાધિપતિના પદે પહોંચ્યા તે પૂર્વે કે તે પછી કોઈ પણ જાતના દંભ કે આડંબર 
વિના પોતાની પવિત્ર અને શાંત પ્રતિભાથી જૈન સંઘમાં એવા છવાઈ ગયા કે
સૌની પૂજા પામ્યા અને સૌના હૃદયમાં વસ્યા.

શ્રી વિજ્ય રામસૂરીશ્વરજી મહારાજા (સં. ૧૯૭૩-૨૦૬૧) ડહેલાવાળા
તરીકે વધુ જાણીતા હતા. જેઓ તેમના પરિચયમાં આવતા તેઓ જાણતા કે
નિતાંત સ્વાધ્યાયપ્રેમી, સાધુઓના અને સાધુત્વના પ્રેમી, આચાર અને ક્રિયાના આગ્રહી
શ્રી વિજ્ય રામસૂરિજી મહારાજ જૈન ધર્મની જે પરંપરા છે તેને ક્ષતિ પહોંચે તે કશુંજ 
ચલાવી લેતા નથી.

એક સમયે આચાર્યશ્રીને અનેક ચાતુર્માસની વિનંતી આવી, એક સ્થળનો તો ઘણો આગ્રહ હતો.
ટ્રસ્ટીઓ હાથ જોડી જોડીને વિનંતી કરતા હતા. શ્રી રામસૂરિજી મહારાજને પોતાની તબિયતને-
અનુકૂળ તે સ્થાન જણાતું ન હતું. તેમણે વિચારીને જવાબ આપીશું તેવું કહ્યું,
તે સમયે એક ઉતાવળીયો ભક્ત બોલ્યો :
' સાહેબ, ચોમાસાની હા, પાડો, અમે તમને પાઠશાળામાં મોટી રક્મ આપીશું.'

આચાર્યશ્રી ઉકળી ઊઠયા :' શું તમે અમને સાધુઓને પૈસાથી ખરીદવા માગો છો ?
તમે પૈસાથી અમને સાધુઓને ખરીદી ન શકો. પહેલાં ભાષા સુધારો,
સંસ્કારી બનો અને પછી વિનંતી કરવા આવો.'

સંયમના ચૂસ્ત આગ્રહી આચાર્યશ્રી વિજ્ય રામસૂરિજી મહારાજ
કોઈને તપ કરતાં જૂએ કે ત્યાગ કરતાં જૂએ ત્યારે રાજી રાજી થઈ જાય.
પોતાની નિશ્ચામાં રહેલા સાધુઓ પણ તપના પંથે, સ્વાધ્યાયના પંથે સતત જોડાયેલા રહે
અને ઉત્તમ જીવન જીવે તે માટે સદાય પ્રયત્ન કરે.

એક નાનકડા ગામમાં જૈનોના પાંચ-છ ઘર હતાં. ખૂબ ભાવિક હતા.
સાધુઓ પોતાના આંગણે વહોરવા પધારે ત્યારે ભક્તિથી ઘેલા ઘેલા થઈ જાય.સાધુઓના પાત્ર ભરી દે.
શિયાળાના દિવસોમાં એ ગામમાં શ્રી રામસૂરિજી મહારાજ પરિવાર સાથે પધાર્યા. 
બપોરે સાધુઓ વહોરવા ગયા. શ્રાવક-શ્રાવિકાઓએ ખૂબ ભક્તિથી કાજુ-બદામ વગેરે મેવાથી પાત્રાં ભરી દીધાં. 
શ્રી રામસૂરિજી મહારાજે બધું જોયું અને પૂછયું ; ગામમાં કેટલાં ઘર છે ?'
સાધુઓ કહે,' પાંચ કે છ'

આચાર્યશ્રી ગંભીર થઈ ગયા :' થોડુંક તો ભાન રાખવું હતુ !
શ્રાવકો હોશેં હોંશે વહોરાવે એટલે ઉપાડી લાવવાનું ?
આજથી હું એક મહિના માટે મેવાનો ત્યાગ કરું છું.'
અને તેમણે હાથ જોડીને પચ્ચખાણ લઈ લીધાં,

સાધુઓ અવાક થઈ ગયા. નિશ્ચાવર્તી સાધુઓએ પણ બીજા દિવસથી મેવાનો ત્યાગ કરી દીધો.

જૈન ધર્મનો પાયો જ તપ, ત્યાગ, અપરિંગ્રહ છે. જૈન મુનિઓનું નિર્મળ ચારિત્ર્ય અને
ત્યાગી જીવન સૌને સદાય ધર્મમાર્ગે પ્રેરે છે. શ્રી વિજ્ય રામસૂરીશ્વરજી મહારાજ
જૈન સંઘના સૌથી વડીલ હોવાના કારણે તેમની પાસે ધર્મ અને સંઘની અનેક વાતો આવતી
પણ તેઓ કદીયે ઉતર વાળવાની ઉતાવળ ન કરતા.

સં ૨૦૪૩-૪૪ માં સંવત્સરી અંગે વિવાદ થયો ત્યારે તેઓ શાંતાકુઝ વેસ્ટમાં બિરાજમાન હતા.
તે સમયે વર્તમાન તપાગચ્છાધિપતિ પૂજ્ય પ્રેમસૂરિજી મહારાજ, પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજ અને અમારે સૌને તેઓની નિશ્ચામાં થોડો સમય રોકાવાનું થયું ત્યારે મને સતત જોવા મળતું કે
આચાર્યશ્રી રામસૂરિજી મહારાજ કોઈપણ વાત પૂરી સ્વસ્થતાથી કરે છે. અને કોઈના દોરવાયા બોલતા નથી. જિંદગીમાં તેમણે અનેક બિમારીઓ જોઈ. અપાર શારીરિક કષ્ટો ભોગવ્યાં.
અનેકવાર હોસ્પીટલમાં પણ દાખલ થવું પડયું. કિંતુ ક્યારેય તેમણે આંતરિક સ્વસ્થતા ગુમાવી નહિ.
શરીર અને આત્મા ભિન્ન છે તેની પ્રતીતિ આચાર્યશ્રીને થઈ ગઈ હતી. સતત સ્વાધ્યાય કરવાની ટેવના કારણે જાણે તેમને ભીતરની પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ ગઈ ન હોય !

નાગપુરના ચાતુર્માસમાં પર્યુષણ પૂર્વે આચાર્યશ્રીની તબિયત બગડી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. પર્યુષણ પૂર્વે ઉપાશ્રયમાં પાછા લાવવામાં આવ્યા ત્યારે તેઓ સાવ અશક્ત થઈ ગયા હતા.
દરેક પર્યુષણમાં સંવત્સરીના દિવસે તેઓ બારસાસૂત્ર ધર્મગ્રંથનું વાંચન સ્વયં કરતા હતા.
સંપૂર્ણ અશક્તિ હોવા છતાં અહીં પણ તેમણે બારસાસૂત્ર ધર્મગ્રંથનો પાઠ પોતે જ બોલીને સંભળાવ્યો !
નાગપુરના શ્રાવકો શ્રી રામસૂરિજી મહારાજને વંદી રહ્યા,

આચાર્યશ્રી રામસૂરિજી મહારાજ જ્યાં પધારતા ત્યાં ધર્મપ્રભાવના થતી.
સૌને આ ત્યાગી અને વૈરાગી આચાર્યશ્રીને વંદન કરીને અપાર ધર્મલાભ પ્રાપ્ત કર્યાનો આનંદ થતો. 
જીવનના છેલ્લા સમયે પણ સંપૂર્ણ સ્વસ્થતા સાથે દેહનો ત્યાગ કરનાર 
પૂજ્ય આચાર્યશ્રી રામસૂરિજી ડહેલાવાળાને જેમણે પણ જોયા તે કયારેય ભૂલી શક્યા નહિ કેમ કે 
તેમના દર્શનમાં પવિત્રતાનો પ્રકાશપુંજ છલકતો હતો !

-સંદર્ભ 
આંખ છીપ અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી
ધર્મલોક પૂર્તિ - ગુજરાત સમાચાર 


No comments:

Post a Comment