Sunday, 24 May 2015

Aamey Ae Maro Priytam Che!! (A Speech About Shetrunjay Giriraj)


શ્રી શેત્રુંજય ગીરીરાજ
Aamey Ae Maro Priytam Che!!

આમે`ય એ મારો પ્રિયતમ છે...

તમારો પ્રિયતમ છે...??
હશે પણ મારે તો જેવો પ્રિયતમ છે તેવો પ્રિયતમ તો તમારી કોઈની પાસે નથી...!!!

મારો પ્રિયતમ અદભુત છે...અનન્ય છે...અલગારી છે...બસ એ મારો પ્રિયતમ છે...

એક સુંદર મજ્જાની રચના

ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજની કલમે લખાયેલ...
અગાઉ ક્યારેય ન સાંભળી હોય...ક્યારેય ન માણી હોય એવી અદભુત વિશેષતાથી
સર-સભર એવી આ સુંદર મજ્જા ની રચના એક સરસ સ્પીચ સાથે સાંભળવાનું બિલકુલ ચૂકશો નહીં!!

આમે`ય એ મારો પ્રિયતમ છે...!!




આમે`ય એ મારો પ્રિયતમ છે...!!
રચના : મુની ઉદયરત્ન વિજય ગણિ


આમેય એ મારો પ્રિયતમ છે.... એને નીરખ્યા કરવાનું સુખ અનંત સેંકડો વખત માણ્યું છે..
ચો-તરફથી જોયો છે..દરેક અંદાજથી,દરેક ખૂણેથી,દરેક દિશાથી...દુરથી નજીકથી...
સ્પર્શ અને હર્ષથી એ મારો પ્રિયતમ છે....

એની સાથે કાલી-ઘેલી વાતો કરી છે,સુખ-દુ:ખની વાતો વહેંચી છે, 
વ્હાલની છાલક અનુભવી છે, એ કશું`ય ન બોલે તોય બોલી બોલીને એને પજવ્યો છે..
એને સાંભળવા... એના ધબકારાના લય સાંભળવા એની છાતીએ- 
કાન માંડીને બેસી રહેવાનું ખુબ ગમે છે....- ગમ્યું છે - એ મારો પ્રિયતમ છે...

હું તો એને દર વખતે જાણે પહેલીવાર જ જોઉં છું. દરેક વખતે એને ભેટવા છટપટી ઉઠું છું,
જયારે જયારે એનાથી છુટા પડવાનું થયું છે ત્યારે ત્યારે આંખમાં ચોમાસું બેઠું છે 
- એ મારો પ્રિયતમ છે.

એ નસીબદાર છે. ખુબ નસીબદાર એને દુનિયાભરના લોકોનો પ્રેમ મળ્યો છે, 
આ જગતની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓએ એના પર સ્નેહવર્ષા કરી છે. એને લોકોએ ખુબ ચાહ્યો છે, 
મોટા મોટા માણસોથી  માંડી સામાન્ય લોકો સુધી એની ચાહતના સીમાડા વિસ્તર્યા છે..

"એ મારો છે" એવું હું માનું છું.. એવું કેટલા`ય લોકો પણ માને છે, 
એ પણ બધા ને સાચવે છે જાળવે છે. માંગે તેટલું જ નહીં વણમાંગે પણ 
ઈચ્છાથી અધિક આપે છે. એ છે જ એવો!  સહુને ગમી જાય તેવો.... પણ....
મને કોઈની ઈર્ષ્યા નથી આવતી બલકે ગૌરવ અનુભવાય છે..
લોકોનો એ જે હોય તે... મારો પ્રિયતમ છે..

સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ અને સર્વજયેષ્ઠ આભુષણ એણે મસ્તકે ચડાવ્યું છે.. 
એની પસંદગી જ ઉંચી એને નબળું ન પાલવે. એના વસ્ત્રો એના અલંકારો 
એની શોભા, એની અદા એનો રૂઆબ, એની રોજ રોજ ની સાજ સજ્જા...
બધું જ અદભુત હું તો એને જોઈ જોઈ ને વારી જાઉં છું
-એ મારો પ્રિયતમ છે.

આપ સૌ જાણો છો એ કોણ છે? એ મારો પ્રિયતમ એ બીજું કોઈ નહીં પણ મારો પ્રિયતમ

એ શેત્રુંજય છે એ સીદ્ધગીરીરાજ છે એ વિમલાચલ છે એ મહાન છે.
એ અનન્ય  છે, અદભુત છે, અલગારી છે, અનમોલ છે, અમુલ્ય છે,
એ રૂપાળો છે, એ મારો છે... એ મારો પ્રિયતમ છે.!!!

જ્યાં તીર્થંકર કરતા તીર્થનો મહિમા વધારે છે...
અન્ય કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ તીર્થસ્થાનમાં આપણે જઈએ અને 
જો મૂળનાયક પરમાત્માના દર્શન ન થાય તો આપણા આત્માને સંતોષ ન થાય. 
જયારે શેત્રુંજય તીર્થાધિરાજ એક એવું વિશિષ્ટ અને પુણ્યતમ ક્ષેત્ર છે કે 
જ્યાં ચાતુર્માસની અંદર માત્ર તળેટીના દર્શન કરીને પણ લાખો આત્માઓ 
સંતોષ નો ઓડકાર લે છે અને તીર્થ ની સ્પર્શના કરવાનો લાભ મેળવે છે. 

તો આ તીર્થપતિ કરતા, તીર્થંકર કરતા, મૂળનાયક દાદા કરતા પણ  આ ક્ષેત્રનું મહત્વ વધુ છે.. 
જ્યાં આદિનાથ દાદા સ્વયં આ તીર્થના મહિમાને વિકસાવવા માટે જાણે ન હોય તેમ ૯૯ પૂર્વ વખત આવ્યા. 

આ અદભુત તીર્થ, અનન્ય તીર્થ, આપણને આવા વિષમ પંચમ કાળમાં પણ 
તરવાના આલંબન તરીકે મળ્યું એ આપનું સૌભાગ્ય લેખી શકાય. 
આ તીર્થની ભક્તિ દ્વારા આપણે સ્વ-પર નું કલ્યાણ કરીએ અને 
ભવો-ભવનો નાશ કરીએ એવી જ એક મંગલ કામના 

જે સિદ્ધ ગીરીરાજે અનંતા આત્માઓને સિદ્ધિગતિ આપી   
તો શું એ આપણને એની સ્પર્શના દ્વારા એની સ્તવના દ્વારા 
એના સ્મરણ દ્વારા એના પૂજન દ્વારા અને એના સ્તવન દ્વારા
શું આપણને સિદ્ધિગતિ નહિ આપી શકે?      
આવા જ એક વિશ્વાસ સ્વરૂપ આપણે ગીરીરાજની ભક્તિ કરીએ 

જય ગીરીરાજ જય આદિનાથ

  

No comments:

Post a Comment